Friday, May 29, 2009

Rabari Samaj Bandharan


જન્મ તેમજ સીમંત પ્રસંગ
૧. બાળકના જન્મ પ્રસંગે માત્ર સગા દેરાંણા-જેઠાણા કે સગી બહેને બાળકને રમાડવા જવું. માત્ર વધુમાં વધુ પાંચ(૫) જોડી કપડા લઈ જવા દાગીના કે અન્ય ભેટ-સોગાદ લઈ જવી નહીં. બાળકની માતા માટે સાડી કે સાલ્લો કે જોડી કપડા લઈ જવા નહીં. બાળકને રમાડવા જનાર અને રમાડવા આવનાર માટે આ નીતી નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
૨. દવાખાનેથી પુત્રવધુને અને બાળકને જ્યારે ઘેર લઈ જાય ત્યારે રૂ.૧૧ (અગીયાર) બાળકને ખાવાના આપવા. ઘરધણીની સાથે જનારે બાળકને રૂ.૧૦(દસ) ખાવાના આપવાના રહેશે. સાથે જનાર કોઈએ પણ કોઈપણ જાતના કપડા, દાગીના કે અન્ય ભેટ સોગાદ લઈ જવી નહીં કે ઘરધણીએ સ્વીકારવી નહી. બાળકને રમાડવા જનાર ઘરધણીએ કોઇપણ જાતનો દાગીનો લઈ જવો નહીં.
૩. ઘરધણીએ રૂ.૫૦૧ (પાંચસો એક) ની મુખ્ય પહેરામણી કરવી સાથે આવનાર દરેકને રૂ.૧૦૧ ની પહેરામણી કરવી.
૪. સીમંત પ્રસંગે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. ફક્ત પોતાની એટલે કે ઘરધણીની સગી બહેનો, સગી ફોઈએ પોતાની યથાશક્તિ પ્રમાણે પહેરામણી કરવી.
૫. પુત્રવધુને તેડવા આવનારને રૂ.૧૦૧ ની પહેરામણી કરવી.


સગપણ પ્રસંગ
૬. દિકરા-દિકરીની સગાઈ તેમજ ગોળ ખાવાના પ્રસંગે તેમજ ચાંદલાનો પ્રસંગ પોતાના ઘરે જ રાખવો.
૭. ગોળ ખાવા, સગાઈ પ્રસંગે પોતાના કુટુંબના ૫(પાંચ) વ્યક્તિઓએ જવું.
૮. સગપણ (સગાઈ)પેટે રૂ.૧૧ આપવા. ખાવાના પેટે રૂ.૫૧ આપવા તેને ઉમેરીને રૂ.૨૧ સગપણ પેટે અને રૂ.૧૦૧ ખાવાના પેટે આપવા. તે રીતે અરસપરસ વહેવાર કરવો.
૯. ઘરધણીએ રૂ.૫૦૧ ની પહેરામણી વેવાઈને કરવી. પોતાના સગા ભાઈઓએ રૂ.૫૧ ની પહેરામણી વેવાઈને કરવી. કુટુંબીજનોએ રૂ.૨૫ નો વ્યવહાર કરવો.
૧૦. ઘરધણીએ વેવાઈ સિવાય જે સાથે આવ્યા હોય તેમને રૂ.૧૦૧ની પહેરામણી કરવી. સાથે આવનારે રૂ. ૧૦ ખાવાના આપવા. શક્ય હોય તો ચાંદલો પણ સાથે લઈ જવો.
૧૧. ચાંદલામાં ફક્ત ૫ (પાંચ) જોડી કપડા લઈ જવા.
૧૨. ઘરધણીએ તેમજ કોઈપણ સગા સંબંધીએ કે ભાઈઓએ ચાંદલામાં કોઈપણ જાતનો દાગીનો આપવો કે લેવો નહી.
૧૩. ચાંદલો લઈને પાછળથી જવાનું થાય તો ઉપર મુજબ ચાંદલો લઈ આવનારને રૂ.૧૦૧ ઘરધણીએ પહેરામણી કરવી.
૧૪. ચાંદલો ફક્ત બે જણાએ લઈને જવો.
૧૫. ચાંદલો લઈને આવનારને ઘરધણીના સગા ભાઈઓએ રૂ.૫૧ ની પહેરામણી કરવી.
૧૬. ચાંદલામાં કુદરતી નાળીયેરની કાછલીમાં ગોળ ભરવો અને તેમાં રૂ.૧૧ મુકવા. ચાંદલો થેલીમાંજ મુકવો. માટલી સદંતર બંધ કરવામાં આવે છે.
૧૭. સવા કિલો પતાસા કે સાકર ચાંદલામાં લઈ જવી.
૧૮. પોતાના બાળકનું સગપણ તેમજ લગ્ન પુખ્તવયે જ કરવા, નાનપણમાં કોઈપણ સંજોગોમાં સગાઈ કે લગ્ન કરવા નહીં કે જેથી કજોડાનો સવાલ ઉપસ્થિત થાય નહી.
૧૯. કન્યા વિક્રય આ સમાજનું કેન્સર છે. કન્યા દાન થાય. કન્યાઓનું વેચાણ ન થાય તે ન ભુલવુ જોઈએ તમારી દિકરીને વેચાણમાં મૂકી વરવું પ્રદર્શન ન કરવું કારણ કે જ્યારે તમો પથારીવસ હોવ ત્યારે આ દિકરી તમારી સેવા કરતી હોય છે. જે કુળમાં કન્યા વિક્ર્ય થયો હોય તે કુળનું કે ઘરનું પાણી ન પીવાય તે ચંડાલનું ઘર છે. જે ઘરમાં કન્યા વિક્રય થતો હોય તે ઘર પાપીનું ઘર છે. જે કુળમાં કન્યા વિક્રય થતો હોય તે કુળ અકુલીન છે. કન્યા વિક્રય કરીને ઘર ચલાવવું ભાડ-ભવૈયા અને દાસનો ધંધો છે. જે કુળમાં કન્યા વિક્રય ન થતો હોય તે કુળ ઉત્તમ છે. જે કુળમાં કન્યા વિક્રય થતો હોય તે કુળ હલકુ કુળ છે.


લગ્ન પ્રસંગ
૨૦. લગ્ન પડો લઈ આવનાર બ્રાહ્મણ (મહારાજ) ને રૂ.૫૦૧ ની મર્યાદામાં પહેરામણી કરવી. અન્ય કોઈ સગા-સંબંધીઓએ કે ભાઈઓએ બ્રામ્હણને ઘરધણી સિવાય કોઈપણ જાતની રોકડ રકમની પહેરામણી આપવી નહી.
૨૧. પડો વહોરવા કે મામેરૂં વહોરવા કે પલ્લુ વહોરવા કે પલ્લાની સાડી લેવા ઘરધણીએ જ જવું.
૨૨. પડો ઘરની એક જ સ્ત્રીએ વધાવવો.
૨૩. ગોળ, પતાસા, સાકર વહેંચવાનો રીવાજ સદંતર બંધ કરવામાં આવે છે.
૨૪. પલ્લામાં ૫(પાંચ) તોલા સોનાની મર્યાદામાં એક જ દાગીનો લઈ જવો.
૨૫. પુત્રવધુ ઘેર આવે ત્યારે પુત્રવધુને કોઈપણ જાતનો દાગીનો પૈહાર કે હાર તેમજ અન્ય કોઇપણ જાતનો દાગીનો પુત્રવધુને નાંખવો નહી. કોઈપણ સગા-સંબંધીઓ, ભાઈ-બહેન અને કન્યાને કોઈપણ જાતની વીંટી કે દાગીનો નાખવો કે પહેરાવવો નહી.
૨૬. પલ્લું માંડવે જવાબદાર માણસોએ આપવા જવું અને જવાબદાર માણસોને જ આપવું.
૨૭. કોઈપણ સગા-સંબંધીઓ, ભાઈઓએ કે બહેનોએ દાગીના, વાસણ કે કપડાં આપવા નહી કે પૈસા લેવા નહી.
૨૮. બહારગામથી નવવધુને બચી (આશીર્વાદ) દેવા આવવું હોય તો છુટ છે પણ કોઈપણ જાતની પહેરામણી લેવી કે આપવી નહી.
૨૯. લગ્ન પ્રસંગના હાથ-ઘરણાં (ચાંદલા) માં કોઈપણ જાતની રકમો ઉમેરીને આપવી કે લેવી નહી.
૩૦. કુંવાસીઓએ રૂ.૧૧ નો ચાંલ્લો કરવો. લગ્ન પ્રસંગે સગી ફોઈ, બહેન-બનેવી, દીકરી-જમાઈ, સાળી-સાઢુંને વ્યક્તિગત રૂ.૧૦૧ ની મર્યાદામાં રહી રોકડ રકમની પહેરામણી કરવી.
૩૧. લગ્ન પ્રસંગમાં અન્ય કોઈપણ સગા-સંબંધીઓને સાલ્લો કે સાડી આપવી નહી. સાલ્લા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. પોતાની સગી બહેન, દિકરીને સાલ્લો આપવાની છુટ છે. અન્ય કે ભાઈની દિકરીને રૂ.૫૧ ની માર્યાદામાં રહી રોકડ રકમનો વ્યવહાર કરવો.
૩૨. લગ્ન પ્રસંગે વરરાજાને પરણેતર વખતે રૂ.૧૧૫ આપણા જુના રીત રીવાજ મુજબ માંડવાવાળાએ આપવા.
૩૩. જાનવાળા, મામેરાવાળા કે અન્ય કોઈપણ સગા-સંબંધીઓએ માટલી કે થેલીઓમાં ખાજા, મીઠાઈ આપવાની પ્રથા બંધ કરવામાં આવે છે.
૩૪. દિકરીના ટંકમાં ૧૧ જોડીથી વધારે કપડાં મુકવા નહી તેમજ ટંકમાં સાસુ સાલ્લો, વડ સાસુ સાલ્લો, વડ સસરા હોય તો ટંકમાં તેમનું તેમજ દિકરીના સસરાનું ફાળિયું મુકવું. બીજા કોઈના સાલ્લા કે ફાળીયા કે અન્ય કોઈપણ જાતની રોકડ રકમ ટંકમાં મુકવી નહી તેમજ આપવી નહી તેમજ લેવી નહી. અન્ય કોઈને પણ સાલ્લા આપવાની પ્રથા ચુસ્ત રીતે બંધ કરેલ છે.
૩૫. લગ્ન વિત્યા બાદ તમામ વસ્તુ સાથે ઘરમાંથી ટંક લાવી બહાર આપી દેવો.
૩૬. ગુલાલ ગણપતીને નાખી વરરાજાને ચપટી ગુલાલ નાખવો. અન્ય કોઈપણ વ્યક્તિને ગુલાલ નાખવાની પ્રથા બંધ કરવામાં આવે છે.
૩૭. લગ્ન પછી તેડવા આવવાના આણાતીઓયે વધુમાં વધુ ૫(પાંચ) વ્યક્તિઓએ જવું અને રૂ.૨૫૧ ની મર્યાદામાં પહેરામણી કરવી. અન્ય કોઈ સગાઓએ કે ભાઈઓએ રૂ.૨૫ ની પહેરામણી કરવી. જો આણાતીઓ પહેરામણી ન લેતો ખુબ ધન્યવાદને પાત્ર છે અને આવકાર્ય છે.
૩૮. લગ્ન પ્રસંગે કંકોત્રી છપાવવાની વખતે પોતાના કુટુંબના નામનો જ આગ્રહ રાખવો.
૩૯. ગણપતી સ્થાપના વખતે સવા શેર ભડકુ કરી દેવું. ગામમાં ફરી ઘેર ઘેર ભડકુ વેચવાની પ્રથા બંધ કરેલ છે.
૪૦. લગ્ન કે અન્ય શુભ પ્રસંગે જમાઈને પ્રથમ વખત તેડાવેલ હોય તો રૂ.૫૦૧ ની પહેરામણી કરવી. ભાઈઓએ કે અન્ય સગા-સંબંધીઓએ રૂ.૫૧ ની મર્યાદામાં પહેરામણી કરવી. અન્ય કોઇપણ સગા-સંબંધીઓએ કે ભાઈઓ કે ઘરધણી કે અન્ય કુટુંબીઓએ કોઈપણા જાતના દાગીના આપવા કે લેવા નહી.
૪૧. મોસાળામાં વધુમાં વધુ રૂ.૧૧,૦૦૦ ની મર્યાદામાં આપવા કે લેવા. જો તેનાથી ઓછા આપવા હોય તો છુટ છે. સગાઓએ કે મોસાળ પક્ષે દાગીના આપવા કે લેવા નહી.
૪૨. જાન, મામેરૂં, આણું મોડામાં મોડું સવારના ૧૦ વાગ્યે ઘરધણીના નિવાસસ્થાને પહોંચી જવું જેથી કરીને ઘરધણીને અગવડ પડે નહીં.
૪૩. લગ્ન કંકોત્રીઓ, ધાર્મિક આમંત્રણની પત્રિકાઓ આપવા જવાના પ્રસંગ વખતે કોઇપણ જાતની પહેરામણી લેવી કે આપવી નહી.
૪૪. લગ્ન પ્રસંગ કે જીયાણા, મોસાળમાં કોઈપણ સગા-સંબંધીઓએ કે ભાઈઓએ વીંટીઓ નાંખવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે
૪૫. લગ્ન પ્રસંગે દિકરીના વળામણા વખતે મળવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. દિકરીના બાપે માથા ઉપર હાથ મુકવો, કોઈએ મળવા જવું નહિં.
૪૬. લગ્ન પ્રસંગે કે તેમજ ધાર્મિક પ્રસંગે સાધુ-સંતો માટે ઘરધણી સિવાય કોઇપણા સગા-સંબંધીઓ કે કુટુંબીજનો કે ભાઈઓ દ્બારા કોઈપણ રકમ ઉઘરાવવી કે લેવી નહીં. ઘરધણીએ આપવાની છુટ છે.
૪૭. વરરાજાએ સાધુ-સંતો, મહંતોના આશીર્વાદ લેવા જવાનું થાય તો રૂ.૧૦૧ ની રકમ સંતો-મહંતોના પગે મુકવા તેથી વધુ કોઇપણ રકમ સાધુઓએ કે મહંતોએ વરરાજા પાસેથી સ્વિકારવી કે લેવી નહી કે ઘરધણીએ કે અન્ય સગા-સંબંધીઓએ આપવા દબાણ કરવું કે કરાવવું નહીં.
૪૮. સામાન્ય સંજોગોમાં આવતા મહેમાનોને કે વેવાઈઓને વારંવાર પહેરામણી કરવી કે લેવી નહી. એક વખત પહેરામણી થઈ ગઈ હોય તો ફરીથી પહેરામણી આપવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે.
૪૯. લગ્ન પ્રસંગ, મામેરા પ્રસંગ કે આણાં નિમિત્તે કેટલાક લોકો સાલ્લા કે ફાળિયાઓ અગાઉથી કે પાછળથી ઘેર મોકલે છે તે પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
૫૦. દિકરાની જાન જાય ત્યારે જે કોઈપણ પોતાની ગાડી લઈને આવે તેને જાતે જ પેટ્રોલ, ડીઝલ પુરાવવું. પેટ્રોલ-ડીઝલ અંગેની કોઈપણ રકમ ઘરધણી પાસેથી લેવી કે આપવી નહીં.
૫૧. ઘરધણીએ લકઝરીની વ્યવસ્થા કરી જાનને લકઝરીમાં લઈ જવાની વ્યવસ્થા કરવી.
૫૨. દિકરી કે દિકરાના લગ્ન પ્રસંગે બાળકોના શિક્ષણ બાબતે પરીક્ષાનું ધ્યાન રાખી લગ્ન પ્રસંગ ગોઠવવો.
૫૩. બેસતા વર્ષે સગા-સંબંધીઓમાં મળવા જવું. પરંતુ કોઈપણ જાતની પહેરામણી લેવી કે આપવી નહીં.
૫૪. તાજેતરમાં સરકારના કાયદા પ્રમાણે લગ્ન નોંધણી ફરજિયાત હોઈ જેથી માતા-પિતાએ લગ્નની નોંધણી કરાવવી. ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
૫૫. દિકરી કે બહેનના લગ્ન થયા પછી ટુંક સમયમાં દિકરીને સાસરે મોકલી દેવી. દિકરીતો સાસરે જ શોભે. ઘરના કામ માટે દિકરીને રોકી રાખવી જોઇએ નહિં.
૫૬. લગ્ન પ્રસંગે દારૂખાનું ફોડવું કે ફોડાવવું નહીં. તે ગુન્હો બને છે.
૫૭. પહેરામણી પ્રથા-પ્રસંગો સિવાય સામાન્ય દિવસોમાં સગા-સંબંધીઓના ઘેર જવાના પ્રસંગે પહેરામણી કરવી કે લેવી નહિં.


મામેરા પ્રસંગ
૫૮. મામેરામાં વધુમાં વધુ રૂ.૩૧,૦૦૦ મુકવા. તેનાથી પણ ઓછા મુકવાની છુટ છે. મામેરૂ ફક્ત એક જ વાર ભરવું. અન્ય ભાણીઓ નાની હોય તો, તેમના લગ્ન મોડા કરવા. ત્યારે ફક્ત પાનેતર લઈને જ જવું. મામેરૂ ફરીથી ભરવું નહિં.
૫૯. મામેરાવાળાઓ કે અન્ય સગા-સંબંધીઓએ દિકરી કે બહેનને વધુ આપવા હોય તો આ સમાજને વાંધો નથી. પરંતુ તે આગળના પાંચ દિવસ અગાઉ જઈને આપી દેવા. તે અંગે કોઈપણ જાતનો ખોટો દેખાવો કરવો નહી અને જો ખાનગીમાં આપવામાં આવે તો ખૂબ ધન્યવાદને પાત્ર રહેશે.
૬૦. બંધારણનો અમલ સમાજના પૈસાદાર લોકો અને માલેતુજાર લોકોએ પ્રથમ અમલ પોતાના ઘરેથી કરી દાખલો બેસાડવો જોઈએ. પૈસાનું વરવું પ્રદર્શન કરવું કે કરાવવું નહિં.
૬૧. ઘણાં કિસ્સાઓમાં રૂ.૩૧,૦૦૦ બંધારણ મુજબ પ્રથમ તાસમાં મૂકે છે અને પછી માંડવા ખર્ચનું તુત ઉભુ કરી બીજા રૂપિયા મુકે છે. તે આડંબર છે અને પૈસાનું પ્રદર્શન છે. આવો ખોટો દેખાવ કરવો કે કરાવવો નહિં. પોતાની જાતને પૈસાદાર દેખાડવાનો ક્રેઝ છે. તે સમગ્ર સમાજ જાણે છે. બહેન, દિકરી, કુંવાસીને આપવામાં આપણે કોઈ નવાઈ કરતા નથી. બંધારણની રકમ સિવાય તે દિવસે અન્ય કોઈપણ જાતના પૈસા લેવા કે આપવા નહીં.
૬૨. મામેરૂં સુંઢાડવા કે કંકોત્રી આપવા જતી વખતે કે લગ્ન પ્રસંગ પત્યા પછી માટલી, ખાજા કે મીઠાઈ લઈ જવી નહીં. કંકોત્રી લઈ જવાની છુટ છે. મામેરૂં વહોરવા ઘરધણીએ જ જવું.
૬૩. મામેરામાં આવેલ અન્ય સગા-સંબંધીઓને સાલ્લા કે સાડી લેવી નહીં કે આપવી નહીં.
૬૪. પોતાની જ બહેન કે ફોઈના સાલ્લા લેવા. ભાઈની કે અન્ય સગાની દિકરીઓને રોકડ રૂ.૫૧ નો વહેવાર કરવો.
૬૫. મામેરૂં ભરતી વખતે કુટુંબ પહેરામણી સદંતર બંધ કરવામાં આવે છે.
૬૬. ઘરધણીના પોતાના સગા ભાઈઓને મામેરાવાળાઓએ પહેરામણી કરવાની છુટે છે.
૬૭. મામેરાની પુરત ભાણીઓના પાનેતર, બહેનના એક જોડી કપડાં, બનેવીના એક જોડી કપડાં તેમજ વેવાઈ અને વડ વેવાઈનું ફાળીયું લેવું. તેમજ વેવાણ, વડ વેવાણના સાલ્લા લેવા, તેમજ ભાણેજ અને ભાણેજ વહુ માટે કપડાં લેવા.
૬૮. મામેરામાં જે વિદાયગીરી વખતે મામેરાવાળાઓને ઘરધણી પહેરામણી કરવામાં આવે છે. તે સદંતર બંધ કરેલ છે.
૬૯. મામેરા પક્ષેથી વાસણોમાં ગોળો, બેડું, બખડીયું, તાસ લઈ જવા. અન્ય કોઈપણ વાસણો લઈ જવા નહીં. અન્ય કોઈપણ સગા-સંબંધીઓએ કે ભાઈઓએ વાસણ આપવા નહીં. પરંતુ રોકડમાં વહેવાર કરાવો. વાસણ પ્રથા સદંતર બંધ કરેલ છે.


જીયાણા પ્રસંગ
૭૦. જીયાણાં વધુમાં વધુ રૂ.૨૧,૦૦૦ ની મર્યાદામાં આપવા કે લેવા. તેથી ઓછા આપવામાં આવે તો તેની છુટ છે. વધુ આપવા હોય તો પાંચ દિવસ અગાઉ ખાનગીમાં આપવા.
૭૧. જીયાણું મુકવા વધુમાં વધુ ૫ વ્યક્તિઓની મર્યાદામાં મુકવા જવું.
૭૨. જીયાણું પોતાના ઘેર તેડાવે તે આવકાર્ય છે.
૭૩. જીયાણું પ્રસંગે ઘરધણીએ વાસણો આપવા કે તેમજ સગા-સંબંધી કે ભાઈઓએ વાસણ આપવા કે દાગીના આપવા નહીં. રોકડ રકમ જીયાણામાં આપવાની છુટ છે.
૭૪. આણું મુકવા આવનારને વધુમાં વધુ રૂ.૫૧૦ ની મર્યાદામાં પહેરામણી કરવી. ઘરધણી સાથે આવનાર આણાતીઓને રૂ.૫૧ ની મર્યાદામાં પહેરામણી કરવી.
૭૫. ઘરધણીના ભાઈઓને રૂ.૨૫ ની મર્યાદામાં પહેરામણી કરવી.
૭૬. જીયાણું મુકવા જવા માટે કે જીયાણું પોતાના ઘેર આવતું હોય ત્યારે નજીકના કોઈ સગા કે અન્ય સ્નેહીજનોને આમંત્રણ આપી તેડાવા નહીં.
૭૭. જીયાણાંમાં ઘરધણીએ દિકરી માટે કોઈપણ જાતની ભાઈ, બહેન કે ફોઈ અન્ય સગા-સંબંધીઓ પાસે રકમ સ્વિકારવી કે લેવી નહીં.


ઘર માંડવાના આણાં પ્રસંગ
૭૮. ઘર માંડવાના આણામાં મર્યાદિત સંખ્યામાં જવું. લાડવો તેમજ પતાસા સદંતર બંધ કરેલ છે. આમને સામને ફુલહાર કરવા તેમજ કંકુ છાંટણા કરવા.
૭૯. ઘર માંડવના આણામાં ૫ તોલાની મર્યાદામાં દાગીનો લઈ જવો. પૈહાર લઈ જવો નહીં.
૮૦. ઘર માંડવાના આણામાં રૂ.૫૦૧ ની પહેરામણી કરવી. સાથે આવનારને રૂ.૨૫ ની પહેરામણી કરવી. ઘરધણીના સગાભાઈઓએ જમાઈને રૂ.૫૧ પહેરામણી કરવી.
૮૧. દિકરીના ઘર માંડવાના પ્રસંગે કોઈપણ સગા-સંબંધીઓ કે ભાઈઓએ કોઈપણ પ્રકારના વાસણ, કપડાં કે દાગીના કે અન્ય ભેટ સોગાદ લેવા કે આપવા નહીં.


માંદગી પ્રસંગ
૮૨. બિમાર વ્યક્તિની દવાખાને ખબર લેવા જતા કોઈપણ સગા-સંબંધીઓએ દવાખાને કે હોટલમાં દર્દીઓના કુટુંબીઓ તરફથી જમવું કે જમાડવું નહીં.
૮૩. દવાખાને કોઈપણ જાતના ચા-પાણી કરવા નહીં કે કોઈપણ સગા-સંબંધીઓએ ટીફીન તથા ચાની કિટલી લઈ જવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
૮૪. સગા-સંબંધીઓએ કે વેવાઈઓએ ઘેર સમાચાર લેવા જવું હોય તો છુટ છે. પરંતુ આ પ્રસંગે કોઈપણ જાતનું લુગડું કે સાલ્લો લઈ જવો નહીં. તેમજ કોઈપણ જાતની રોકડ રકમ આપવી નહીં.
૮૫. આ પ્રસંગે કોઈપણ જાતની ઘરધણીના ત્યાંથી કે તેના ભાઈઓના ત્યાંથી પહેરામણી લેવી કે આપવી નહીં.
૮૬. જો દર્દીની તબીયત સારી હોય તો દર્દીના ભાઈઓ સિવાય ટોળા વળીને દવાખાને બેસવું નહીં.
૮૭. જો દર્દીને લોહીની જરૂર હોય તો દવાખાને બેઠેલા કે દર્દીના હિતેચ્છુ કે સગા સંબંધીઓએ સ્વેચ્છાએ લોહી આપવું. લોહી આપવાથી આજ દિન સુધી કોઇનું મરણ થયું હોય કે બિમાર થયું હોય તેવું જાણવા મળેલ નથી.


મરણ પ્રસંગ
૮૮. મરણ પ્રસંગે લૌકિક ક્રિયા ૫ દિવસ રાખવામાં આવે છે.
૮૯. પાંચ દિવસ બાદ લૌકિક ક્રિયાએ આવવું કે જવું નહીં. પ્રથમ દિવસે કડાયું સદંતર બંધ કરેલ છે.
૯૦. ત્યારબાદ એટલે કે બીજા દિવસે શીરો, દાળ-ભાત કરવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ જો ખીચડી-કઢી ઘી વગર કરવામાં આવે તો તે આવકાર પાત્ર રહેશે.
૯૧. કેટલાક ગામોમાં ખીચડી-કઢીનો બંધો કરવામાં આવેલ છે. તે ધન્યવાદને પાત્ર છે.
૯૨. મરણ થનાર વ્યક્તિ જો ૫૦ વર્ષથી નાની હોય તો તે પ્રસંગે કોઇપણ જાતનો શીરો કરવો નહિ. અને કોઈ સગાવ્હાલા કે ભાઈઓએ શીરો કરવા માટે દબાણ કરવું કે કરાવવું નહિં.
૯૩. જો મરણ થનાર વ્યક્તિ ૫૦ વર્ષથી ઉપરની ઉંમરની હોય તો શીરો કરાવાની છૂટ છે. ન કરે તો આવકાર્ય છે.
૯૪. પ્રથમ દિવસે જો બહારગામની વ્યક્તિ આવી હોય તો તેને ખીચડી-કઢી તેમજ છાસનો ડુઓ આપવો. ઘી બિલકુલ આપવું નહિં.
૯૫. સિધ્ધપુર કે પિરાણા લઈ જાય તો મીઠાઈ-ઘી-શીરો બંધ રાખી, દાળભાત અથવા ખીચડી-કઢી ઘી વગર સાદુ ભોજન કરવું. જેવું કે રોટલી શાક કરવું.
૯૬. યથાશક્તિ દાન આપવું. પરંતુ દાન પેટે રૂ.૧૧,૦૦૦ ની મર્યાદામાં આપવા. જો તેનાથી ઓછા આપવામાં આવે તો છૂટ છે.
૯૭. રૂ.૧૧,૦૦૦ થી વધુ રકમ દાન પેટે આપવી નહી.
૯૮. જો કોઈ ખીચડી-કઢી ઘી વગર કરે તે ખૂબ ધન્યવાદને પાત્ર ગણાશે.
૯૯. મરણ પ્રસંગમાં મળવાનું કે કૂટવાનું સદંતર બંધ કરવામાં આવે છે.
૧૦૦. લૌકિક ક્રિયાએ પુરૂષ તેમજ સ્ત્રી વર્ગે એક જ વાર આવવું તેમજ જવું.
૧૦૧. પોથ તેમજ ગોયણીના હક્કદારે બીજી વખત જવાની છૂટ છે.
૧૦૨. ફરીથી આવનારને કોગળો કર્યા વગર મોદમાં બેસવાની છૂટ છે.
૧૦૩. વાર તહેવાર કે બાવીસ દિવસે મોં વળાવવા જવું નહીં.
૧૦૪. જ્યાં મરણ (કાંણ) હોય ત્યાં જ રોવા જવું. બે જગ્યાએ રોવા જવું નહિં.
૧૦૫. મરણ પ્રસંગે શોકના સાલ્લા પોતાની ફોઇ-બહેન-દિકરીને જ લેવા. પોતાના ભાઈઓની દિકરીને રોકડામાં શોકનો વ્યવહાર કરવો.
૧૦૬. મરણ પ્રસંગે ફક્ત મોસાળમાં જ શોક મુકવા જવુ કે આવવું કે વેવાઈઓએ અન્યત્ર શોક મુકવા જવું નહિં.
૧૦૭. બીજા સગા સંબંધીઓએ કે વેવાઈઓને ત્યાં જવું નહિં. સગા બનેવી શોક મુકવા જઈ શકે છે.
૧૦૮. મરણ પ્રસંગે સાધુ-સંતો-મહંતો કે અન્ય કોઈના સામૈયા કરવા નહીં.
૧૦૯. પરંતુ કોઈ સાધુ-સંત કે મહંત જો ધૂપ લેવા આવે તો કોઈપણ જાતની દાન-દક્ષીણા કે પહેરામણી સાધુ-સંત કે મહંતે સ્વીકારવી નહિ કે ઘરધણીએ કે કોઇએ પણ આપવી નહી.
૧૧૦. ગોયણી કે પોથમાં કે માળમાં કે ઉઠાણામાં કોઇની પાસેથી કોઇપણ જાતની રોકડ રકમ લેવી કે આપવી નહિ. ફક્ત ઘરધણી એકલાએ જ આ પ્રસંગોનો વ્યવહાર કરવો.
૧૧૧. ગોયણી કે પોથમાં વધુમાં વધુ રૂ.૧૧,૦૦૦ ની મર્યાદામાં રહી વહેવાર કરવો. મોટા કે નાના મરણ પ્રસંગે સવા માસે શોક મુકી દેવો.
૧૧૨. ગોયણી કે પોથ લઈ આવનાર માટે અલગ રસોઈ ન બનાવી. ચાલુ વહેવારમાં હોય તે જ જમવાનું આપવું.
૧૧૩. મરણ પ્રસંગનું કે ડાયાબીટીસના દર્દીઓ જો ખાતા ન હોય તો જે ગામમાં મરણ થયું હોય તે ગામમાં ઘરધણી સિવાય કોઇપણ સગા સંબંધીને ત્યાં ખાવું નહિ, કે કોઈએ ખાવા આપવું નહિં. પોતાના ઘેર જઈને અથવા લોજમાં જમી લેવું. સ્ત્રીઓએ મોદમાં આવીને પુરૂષોને મળવાની પ્રથા હાલમાં ચાલુ થઈ છે, તે તેમજ બૈરાઓને મળવાનું સદંતર બંધ કરાયું છે.
૧૧૪. મરણ પ્રસંગ બાદ જો ધર્મી હોય તો ૪૦ મા દિવસે ઉઠાણું વળાવવું અને ઉઠાણા પેટે રૂ.૧,૧૦૦ ની રકમ ઉઠાણા પેટે આપવી. ઉઠાણા પ્રસંગમાં કોઇપણ બહારથી સગા સંબંધીઓને તેડાવા નહિ અને તેઓની પાસે ઘરધણી સિવાય કોઈપણ જાતની રકમ લેવી કે આપવી નહિં.
૧૧૫. મરણ થનાર જો દની હોય તો ૧૨ દિવસ પછી માળ બંધાવવી અને માળા પેટે રૂ.૧,૧૦૦ આપવા. આ ધાર્મિક વિધી છે. તે ૧૨ દિવસે જ કરવી.
૧૧૬. માળ કે ઉઠાણામાં સગા-સંબંધી, ભાઈ-બહેનો કે દિકરી પાસેથી માળ પેટે કોઇપણ જાતની રકમ લેવી કે આપવી નહિં. આ બન્ને પ્રસંગો પોતાના કુટુંબીઓએ જ કરવા. બહારથી સગા-સંબંધીઓને બોલાવવા નહિ.
૧૧૭. મરણ પ્રસંગ જો અમદાવાદની હદમાં બન્યો હોય તો અમદાવાદ શહેરના કોઇપણ જ્ઞાતિબંધુએ મરણ પ્રસંગવાળાને ત્યાં જમવું નહિં. મરણ પ્રસંગવાળા ઘરધણીએ તેમને જમાડવા આગ્રહ કરવો કે કરાવવો નહિં.
૧૧૮. મરણ પ્રસંગે પેપેરમાં આવેલ બેસણાની નોંધમાં પોતાના ભાઈઓના જ નામ લખવા, અન્ય સગા સંબંધીઓના નામ લખવા કે લખાવવા નહિં.
૧૧૯. કોઈપણ સગા સંબંધીઓ, મિત્રો કે વેપારીઓએ કે ભાઈઓએ પેપરમાં શ્રધ્ધાંજલિ આપવી નહિં. અને શક્ય હોય તો ગાયોને પૂળા નાંખવા કે પક્ષીઓને દાણા નાંખવા. લોકાચારમાં બપોરના ૩ વાગ્યા સુધીમાં આવી જવું, ત્યારબાદ જવું કે આવવું નહિં.
૧૨૦. સ્ત્રી વર્ગ અન્ય જગ્યાએ લોકાચાર જઈને પાછા વળતા પોતાના ઘરની નજીક આવી નીચે જમીન ઉપર બેસી ફરી ઉભા થઈ ઘેર જાય છે. આ પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે. આ તો હાસીને પાત્ર છે.
૧૨૧. સ્મશાને જઈને પાછા ફરતી વખતે એક જ વખત ચા પીવો, જો હોટલે ચા પીધો હોય તો મરણ પ્રસંગવાળા વ્યક્તિને ત્યાં તે દિવસે ચા પીવો નહીં.
૧૨૨. મરણ પ્રસંગમાં નાનું કે મોટું મરણ થયું હોય તો જે વાયરો નાંખવામાં આવે (પારેખ) નાઈ દ્વારા નાંખવામાં આવે છે. તે પ્રથા બંધ કરવામાં આવે છે.
૧૨૩. મરણના દિવસે પોતાની દિકરી કે ફોઈ કે ભાઈ સિવાય કોઈપણ અન્ય વ્યક્તિ કે સગા સંબંધીઓને મરણના દિવસે તેડાવવા નહિં. મરણ પાછળ આપણે રબારી સમાજમાં માળ બંધાય છે. ભગવાન રામદેવપીરનો પુરાવો છે કે જે વ્યક્તિના મરણ પછી સ્ત્રી હોય તો ૧૧ દિવસે અને પુરૂષ હોય તો ૧૨ દિવસે માળ બંધાય છે. તે પહેલા માળ બાંધી શકાય નહિ. કારણકે શાસ્ત્રના પ્રમાણ મુજબ ૧૦ દિવસનું સુતક લાગે અને ૧૦ દિવસ દરમ્યાન ઘરમાં જ્યોતના અજવાળે ફરામણું થઈ શકે નહિં તે યાદ રાખવું. આ ધાર્મિક વિધિ છે.

No comments: